યમુનાષ્ટક – પુષ્ટિમાર્ગ

nitya-niyam-yamunaji

યમુનાષ્ટક – વલ્લભાચાર્ય

nitya-niyam-yamunaji

નમામિ યમુનામહં, સકલસિદ્ધિહેતું મુદા

મુરારિપદપંકજ  સ્ફુરદમંદરેણૂત્કટામ્ ।

તટસ્થનવકાનન  પ્રકટમોદપુષ્પાંબુના

સુરાસુરસુપૂજિતસ્મરપિતુઃ શ્રિયં બિભ્રતીમ્ ।।૧।।

શ્રીયમુનાજી સર્વ પ્રકારની સિદ્ધિઓને આપનારાં છે. મુરારિ શ્રીકૃષ્ણનાં ચરણારવિંદથી શોભતી (પ્રકાશિત) પુષ્કળ રજથી ભરેલા કિનારાવાળા છે. તે કિનારા ઉપર નવીન વનો આવેલાં છે. તેમાં ઉત્પન્ન થયેલી પુષ્પોની સુગંધથી યુક્ત જલવાળાં છે. સુર અને અસુર અથવા દૈન્યભાવ અને માનભાવવાળાં વ્રજભક્તોથી સારી રીતે પૂજાયેલાં છે. કામદેવ (પ્રદ્યુમ્ન)ના પિતા એવા શ્રીકૃષ્ણની શોભાને ધારણ કરનારાં છે. આવાં શ્રીયમુનાજીને હું આનંદપૂર્વક નમન કરું છું. (૧)

કલિન્દગિરિમસ્તકે, પતદમંદપૂરોજ્જ્વલા

વિલાસગમનોલ્લસત્, પ્રકટગંડશૈલોન્નતા ।

સઘોષગતિદન્તુરા, સમધિરૂઢદોલોત્તમા

મુકુંદરતિવર્ધિની, જયતિ પદ્મબંધોઃ સુતા ।।૨।।

કલિન્દ નામના પર્વતના શિખર ઉપર વેગથી પડતા પ્રવાહને કારણે તેઓ ઉજ્જવલ દેખાય છે. વિલાસપૂર્વક ગતિ કરતાં હોવાથી તેઓ શોભે છે. પર્વતના ઊંચાનીચા પથ્થરોને લીધે તેઓ પણ ઊંચાંનીચાં દેખાય છે. જળના વહેવાના કારણે થતા અવાજ સાથેની તેમની ગતિમાં વધઘટ થાય છે. તેઓ જાણે ઉત્તમ પ્રકારના ઝૂલામાં સારી રીતે બિરાજ્યાં હોય તેવાં લાગે છે. તેઓ શ્રીમુકુંદ ભગવાન પ્રત્યેનો આપણો પ્રેમ વધારનારાં છે. આવાં સૂર્યપુત્રી શ્રીયમુનાજી જય પામે છે. (ર)

ભુવં ભુવનપાવનીમધિગતામનેકસ્વનૈઃ

પ્રિયાભિરિવ સેવિતાં, શુકમયૂરહંસાદિભિઃ ।

તરંગભુજકંકણ, પ્રકટમુક્તિકાવાલુકા

નિતંબતટસુંદરીં, નમત કૃષ્ણતુર્યપ્રિયામ્ ।।૩।।

શ્રીયમુનાજી પૃથ્વી ઉપર પધારે છે ત્યારે ભૂમંડલને પવિત્ર કરે છે. જેમ સખીજનો તેમની સેવા કરતાં તેમ વિવિધ પ્રકારના મધુર અવાજો કરતાં મોર, પોપટ, હંસ વગેરે પક્ષીઓ પણ તેમની સેવા કરે છે. તેમનાં જળનાં મોજાંરૂપી મોતીથી જડેલા કંકણ શોભી રહ્યાં છે. નિતંબભાગરૂપી બંને બાજુનાં તટથી તેઓ સુંદર દેખાય છે. શ્રીકૃષ્ણનાં પ્રિય એવાં એમનાં ચતુર્થ સ્વામિનીજી શ્રીયમુનાજીને તમે નમન કરો. (૩)

અનંતગુણભૂષિતે, શિવવિરંચિદેવસ્તુતે

ઘનાઘનનિભે સદા, ધ્રુવપરાશરાભીષ્ટદે ।

વિશુદ્ધમથુરાતટે, સકલગોપગોપીવૃતે

કૃપાજલધિસંશ્રિતે, મમ મનસ્સુખં ભાવય ।।૪।।

હે શ્રીયમુનાજી, આપ અસંખ્ય ગુણોથી સુશોભિત છો; શંકર, બ્રહ્મા વગેરે દેવો આપની સ્તુતિ કરે છે. નિરંતર ગાઢ મેઘ સમાન આપનું સ્વરૂપ છે. ધ્રુવ, પરાશર વગેરે (ભક્તો)ને ઇચ્છિત વસ્તુનું દાન કરનારાં છો. આપના કિનારા ઉપર વિશુદ્ધ મથુરાજી (જેવાં તીર્થો) આવેલાં છે. આપ સર્વ ગોપગોપીજનોથી વીંટળાયેલાં છો અને આપ કૃપાસાગર શ્રીકૃષ્ણનો સદા આશ્રય કરી રહો છો. હે શ્રીયમુનાજી, આપ મારા મનને સુખ થાય તેમ વિચારો. (૪)

યયા ચરણપદ્મજા, મુરરિપોઃ પ્રિયંભાવુકા

સમાગમનતો ભવત્, સકલસિદ્ધિદા સેવતામ્ ।

તયા સદ્રશતામિયાત્, કમલજા સપત્નીવ યત્

હરિપ્રિયકલિન્દયા, મનસિ મે સદા સ્થીયતામ્ ।।૫।।

ભગવાનનાં ચરણારવિંદમાંથી પ્રકટ થયેલાં શ્રીગંગાજી, શ્રીયમુનાજીના સમાગમથી મુરારિ શ્રીકૃષ્ણને પ્રિય બન્યાં તથા સેવા કરનારા પોતાના ભક્તોને સર્વ સિદ્ધિઓ આપનારાં થયાં. આવાં શ્રીયમુનાજીની બરાબરી બીજું કોણ કરી શકે? જો કદાચ કોઇ કરી શકે તો તે તેમની સમાન સૌભાગ્યવાળાં શ્રીલક્ષ્મીજી જ છે. આવાં શ્રીહરિના પ્રિય અને ભક્તોના દોષનો નાશ કરવાવાળાં શ્રીયમુનાજી મારા મનમાં નિરંતર વાસ કરો. (પ)

નમોઽસ્તુ યમુને સદા, તવ ચરિત્રમત્યદ્ભુતમ્

ન જાતુ યમયાતના, ભવતિ તે પયઃપાનતઃ ।

યમોઽપિ ભગિનીસુતાન્, કથમુ હન્તિ દુષ્ટાનપિ

પ્રિયો ભવતિ સેવનાત્, તવ હરેર્યથા ગોપિકાઃ ।।૬।।

હે શ્રીયમુનાજી, આપને સદૈવ નમન હો! આપનું ચરિત્ર અતિ અદ્ભુત છે. આપનાં જલના પાનથી યમની પીડા કદી પણ ભોગવવી પડતી નથી; કારણ કે પોતાના ભાણેજો દુષ્ટ હોય, છતાંય યમરાજા તેમને શી રીતે મારે? જેવી રીતે કાત્યાયની વ્રત દ્વારા આપની સેવા કરીને શ્રીગોપીજનો પ્રભુને પ્રિય બન્યાં, તેવી રીતે આપની સેવા દ્વારા ભક્તો પણ પ્રભુને પ્રિય બને છે. (૬)

મમાઽસ્તુ તવ સન્નિધૌ, તનુનવત્વમેતાવતા

ન દુર્લભતમા રતિ  ર્મુરરિપૌ મુકુંદપ્રિયે ।

અતોઽસ્તુ તવ લાલના, સુરધુની પરં સંગમાત્

તવૈવ ભુવિ કીર્તિતા, ન તુ કદાપિ પુષ્ટિસ્થિતૈઃ ।।૭।।

શ્રીમુકુંદ ભગવાનને પ્રિય એવાં હે શ્રીયમુનાજી, આપની સમીપમાં મને ભગવત્લ્લીલામાં ઉપયોગી થાય તેવો અલૌકિક દેહ પ્રાપ્ત થાઓ. તેના વડે મુરારિ શ્રીકૃષ્ણ પ્રભુમાં અત્યંત સરળતાથી પ્રીતિ થશે. તેથી જ તો આપની સ્તુતિ દ્વારા આપને આ બધાં લાડ હો! શ્રીગંગાજી કેવળ આપના સમાગમથી જ દુનિયામાં કીર્તિ પામ્યાં છે. આપના સમાગમ વિનાનાં શ્રીગંગાજીની સ્તુતિ પુષ્ટિમાર્ગીય જીવોએ ક્યારે પણ કરી નથી. (૭)

સ્તુતિં તવ કરોતિ કઃ, કમલજાસપત્નિ પ્રિયે

હરેર્યદનુસેવયા, ભવતિ સૌખ્યમામોક્ષતઃ ।

ઇયં તવ કથાઽધિકા, સકલગોપિકાસંગમ

સ્મરશ્રમજલાણુભિઃ, સકલગાત્રજૈઃ સંગમઃ ।।૮।।

શ્રીલક્ષ્મીજીના સમાન સૌભાગ્યવાળાં હે શ્રીયમુનાજી, આપની સ્તુતિ કરવા કોઇ સમર્થ નથી. કારણ (સામાન્ય રીતે તો) પહેલાં ભગવાનની સેવા કરી, પછી લક્ષ્મીજીની સેવા કરનારને મોક્ષ પર્યંતનું સુખ મળે છે; પરંતુ આપની આ કથા (આપનું માહાત્મ્ય) સર્વથી શ્રેષ્ઠ છે. કારણ કે રાસલીલા બાદ સકલ વ્રજભક્તો સાથે જલવિહાર કરતાં પ્રભુને ભક્તો સહિત થયેલ ક્રીડાના શ્રમજલકણોનો જેમાં સંયોગ થયો છે, તેવા આપના જલકણો સાથે આપની સેવાથી ભક્તોનાં બધાં અંગોનો સમાગમ થતાં જ લીલાપ્રાપ્તિનો અનુભવ થાય છે. (૮)

તવાઽષ્ટકમિદં મુદા, પઠતિ સૂરસૂતે સદા

સમસ્તદુરિતક્ષયો, ભવતિ વૈ મુકુંદે રતિઃ ।

તયા સકલસિદ્ધયો, મુરરિપુશ્ચ સંતુષ્યતિ

સ્વભાવવિજયો ભવેદ્-વદતિ વલ્લભઃ શ્રીહરેઃ ।।૯।।

હે સૂર્યપુત્રી શ્રીયમુનાજી! આપના આ અષ્ટકનો (સ્તોત્રનો) જે કોઇ નિરંતર આનંદપૂર્વક પાઠ કરે છે તેને નીચેનાં ફળ પ્રાપ્ત થાય છેઃ (૧) તેનાં બધાં પાપો નાશ પામે છે. (ર) તેને નિશ્ચયપૂર્વક શ્રીમુકુંદ ભગવાનમાં પ્રીતિ થાય છે. (૩) આવી પ્રીતિના કારણે તેને સર્વ પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. (૪) તેના સ્વભાવનો વિજય થાય છે. (સંસારમાંથી તેનું મન મુક્ત થઇ, તે ભગવદ્ધર્મનું આચરણ કરવા અનુકૂળ બને છે.) આમ શ્રીસ્વામિનીજી અને શ્રીઠાકોરજીને પ્રિય એવા શ્રીવલ્લભાચાર્યજી કહે છે. (૯)

।। ઇતિ શ્રીમદ્ વલ્લભાચાર્યવિરચિતં શ્રીયમુનાષ્ટકસ્તોત્રં સંપૂર્ણમ્ ।।

આ પ્રમાણે શ્રીવલ્લભાચાર્યજીએ રચેલું શ્રીયમુનાષ્ટક સંપૂર્ણ થયું.

nitya-niyam-get-it-on-google-play1